ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે.

 આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે.

 ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયા છે, પણ ખરેખર કદાચ ૧૧૦૦૦ પગથિયા છે.

દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે, જેમાં લાખો લોકો જોડાય છે. હિંદુ ધર્મમાં શ્રદ્ધાળુઓ માને છે કે ઉઘાડા પગે ગિરનારનાં પગથીયા ચઢવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાંનો એક છે.  પ્રાચીન અને અર્વાચીન, બન્ને રીતે આ પવિત્ર સ્થળ ગિરનાર છે. જે હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં લોકો માટે મહત્વનું યાત્રાધામ છે. અહીં આવેલું મીરા દાતાર મુસ્લિમોનું પવિત્ર સ્થળ છે